Wednesday, 21 December 2022

દફ્તર વગરનો દિવસ ડિસે. 2022

 દફ્તર વગરનો દિવસ દરમ્યાન ATAL Lab.ગ્રામ પંચાયત અને ખેતરની મુલાકાત  

 

સી.આર.સી. નાપાની એક્તાનગર પ્રા. શાળામાં ડિસેમ્બર માસના NEP અંતર્ગત દફ્તર વગરના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.આર.સી.સી. બોરસદ નિકુંજભાઈ સોલંકી અને સી.આર.સી.સી. નાપાના અનિલભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા ધોરણવાર શિક્ષકો ધ્વારા કરાયેલા આયોજન મુજબ ધો. 1 થી 2 ના બાળકો વનભોજન માટે ફતેડી વિસ્તારમાં ગયા હતા. શિક્ષકોએ બાળકોને વનભોજનની સાથે સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી તેની પૂર્વતૈયારી સાથે ગયા હતા. બાળકોએ ખેતરની લાકાત લઈ તમાકુ, મરચી, ફ્લાવર જેવા છોડનું નિરીક્ષણ કરી તેના ફાયદા – ગેરફાયદા સમજાવ્યા હતા. 

આ ઉપરાંત, બાળકોએ ખેતરમાથી ઉપલબ્ધ પાંદડાં, ફૂલો અને સળીઓની મદદથી પુષ્પગુચ્છ બનાવતાં શીખ્યા હતા. બાળકોને ગ્રુપમાં બેસાડી અંકોમાં રંગપૂરણી, રેતીયા અક્ષરો – અંકો પણ તૈયાર કરાવ્યા હતા. આ બાળકો માટે નાસ્તાની સુવિદ્યા એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઇ ઠાકોર અને ધો. 1 અને 2 ના શિક્ષકો ધ્વારા કરવામાં આવી હતી. બાળકોએ બાલ અભિનયગીત, વાર્તા અને અવનવી રમતો રમી આનદ સાથે જ્ઞાન પણ મેળવ્યું હતું.

ધો. 3 થી 5 ના બાળકોએ આજના દિવસે ગ્રામ પંચાયત અને ઐતિહાસિક ધરોહર – વણઝારી વાવની મુલાકાત કરવાની હોઈ પ્રાર્થના કાર્યક્રમ બાદ નાપા ગામમાં આવેલી પંચાયતની મુલાકાતે ગયા હતા. ગ્રામ પંચાયતના તલાટી તથા સરપંચની હાજરીમાં ગ્રામ પંચાયતમાં ચાલતા કામો અને તેમની ફરજો વિશે માહિતી આપી હતી. 

 

ત્યારબાદ ગામમાં આવેલી વણઝારી વાવ તથા ગાંધીજી જે સ્થળેથી ગામલોકોને સંબોધન કર્યું હતું તે સ્થળ વિશે માહિતગાર થયા હતા. બાળકોને ગ્રામ પંચાયત તરફથી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરબાદ આ બાળકોએ શાળામાં આવી અવનવી રમતો રમવાની સાથે સાથે કાર્ટૂન ફિલ્મ પણ નિહાળી હતી.

બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધે અને વિજ્ઞાન વિષય અંતર્ગત વિશેષ જ્ઞાન મેળવે તે હેતુથી ધો. 6 થી 8 ના બાળકોને મુસ્લિમ કેળવણી મંડળ, નાપા સંચાલિત આદર્શ શાળામાં આવેલી ATAL Lab. ની મુલાકાતે ગયા હતા. 

બાળકોને શાળાના વિજ્ઞાન શિક્ષકો ધ્વારા ઊંચાઈ માપન, રોબોટિક્સ, આર્ટીફિસિયલ ઇંટેલિજન્સ જેવા વિવિધ સાધનોનું નિદર્શન કરાવી સમજણ આપવામાં આવી હતી. બપોરબાદ શાળામાં પરત ફરી બાળકોને મંગળયાન પર બનેલ ફિલ્મ ‘મિશન મંગલ’ બતાવવામાં આવી હતી. બાળકોએ શિક્ષકો સાથે જરૂરી વાર્તાલાપ કરી વિશેષ માહિત પ્રાપ્ત કરી હતી.

સાચે જ, આખો દિવસ કેવી રીતે પસાર થયો હતો. મહિનામાં એક દિવસ દફ્તર વિના પણ અભ્યાસ થઈ શકે છે તે બાળકોએ અનુભવ્યું હતું. શિક્ષકોએ ઉત્સાહપૂર્વક બાળકોની સાથે રહી માર્ગદર્શકની ભૂમિકા નિભાવી હતી.

Tuesday, 8 November 2022

કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા : '22

 એકતાનગરમાં કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા

સી.આર.સી. નાપા કન્યા અંતર્ગતની એક્તાનગર પ્રા. શાળામાં છ દિવસીય કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ કાર્યશાળા યોજાઇ ગઈ. બાળકોમાં રહેલા કૌશલ્યોને ઉજાગર કરી વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ લઈ જવાના ઉમદા હેતુ સાથે દફ્તર વગરના દિવસની પણ ઉજવણી કરવામાં આવી. 

 

સમાપન કાર્યક્રમમાં શ્રી આર.આર.સોલંકી - TPEO બોરસદ, મીરાંબેન જાદવ - સિની. લેક્ચરર-DIET આણંદ(તાલુકા લાયઝન), લેખક ડોં. રમણ માધવ, CREDP-ચારુસેટ ચાંગાના પ્રો. રોબર્ટ પરમાર, રાજેશ ગઢવી, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, ચાર્મીબેન મહેતા, રાજેશ્વરીબેન, હિતેશ પરમાર, મહેન્દ્ર રાઠોડ, મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા 60 થી વધુ બાળકો અને શિક્ષકોએ હાજરી આપી હતી.

  

પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી વર્કશોપને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહેમાનોનું બાળકોના હસ્તે પુષ્પગુચ્છ, શ્રીમદ ભગવદગીતા અને ઇ-મેગેઝીન આપી સ્વાગત કરાયું. શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક કિરણભાઇ સોલંકીએ કર્યું હતું. મુ.શિ.ભાનુપ્રસાદે વર્કશોપ દરમ્યાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપવામાં આપી ઉપયોગી થનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. 

  

અનિલભાઈ રાણા, ડો. હરીશ પારેખ, આર.આર.સોલંકી, મીરાંબેન જાદવ અને રોબર્ટ પરમારે શાળામાં આ વર્કશોપમાં થતી કામગીરીથી બાળકોના કૌશલ્યો અને વ્યક્તિત્વ વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને બિરદાવી આવનાર દિવસોમાં શાળાને ઉપયોગી થવાની ખાતરી આપી હતી. NEP અંતર્ગત બાળકો દફ્તર વગરના દિવસનો આનંદ માણી રહ્યા છે તેની વિગતોની જાણકારી પણ મેળવી હતી. 

 

વર્કશોપમાં સહભાગી બાળકોને કીટ, પ્રમાણપત્રો અને તજજ્ઞોને મોમેન્ટો અર્પણ કરાયા હતા. 

ચારુસેટ-ચાંગા અને એક્તાનગરના સંયુક્ત ઉપક્રમે 2020 માં યોજાયેલ ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાના વિવિધ શાળાઑ - જેમાં એક્તાનગર, નાપા વાંટા, માણજ (પેટલાદ) અને કાલુ (બોરસદ)ના વિજેતાઓને મહેમાનોના હસ્તે પ્રથમ 1 થી 3 નંબર મેળવનાર બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 

  

વિવિધ ક્ષેત્રના તજ્જ્ઞોએ બાળકોને સ્કેટિંગ, ચેસ, કેરમ, સંગીત, વાર્તાકથન અને લેખન, નાટ્ય સંવાદ, શબ્દકોષ નિર્માણ, TLM મેકિંગ અને રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ નિઃશુલ્ક શીખવવામાં આવી હતી. જે બાળકોએ ખૂબ દિલથી અને મનથી શીખી હતી. 

 

 

વર્કશોપ સફળ બનાવવા ડોં. હરીશ પારેખ, શૌર્ય મકવાણા, રઘુવીરસિંહ ગોહિલ, ચંદ્રરાજસિંહ, મનીષાબેન સોલંકી તથા શાળા અને મ.ભો.ના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી

 

છ દિવસીય કાર્યશાળામાં બાળકોને અને તજજ્ઞોને ખૂબ જ મજા આવી હતી. શિક્ષિકા સુરેખાબેને સૌનો આભાર માન્યો હતો અને સમગ્ર વર્કશોપમાં સુપેરે આયોજન પાર પાડ્યું હતું.. વર્કશોપનું  સફળ સંચાલન કો-ઓર્ડિનેટર ડો. હિતેન સોલંકીએ કર્યું હતું. 

Saturday, 8 October 2022

દફતર વગરનો દિવસ

 એક્તાનગર શાળામાં NEP અંતર્ગત 'દફતર વગરનો દિવસ' મનાવાયો.

 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ધારાધોરણને ધ્યાને રાખી વેકેશનના દિવસો સહિત વર્ષમાં વધુમાં વધુ 10 દિવસ બાળકોને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ સાથે વિશેષ પ્રવૃત્તિમાં જોતરવામાં આવે તેવી જોગવાઈને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં પ્રથમવાર બોરસદ તાલુકાની એકતાનગર શાળા(નાપા)માં “દફ્તર વગરનો  દિવસ” પ્રોજેકટની આ માસથી શરૂઆત કરવામાં આવી. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા બી.આર.સી.સી. નિકુંજભાઈ સોલંકી, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, મુ.શિ. ભાનુપ્રસાદ્દ પંચાલ અને શાળા પરિવારે હાજરી આપી હતી. 

 

 

પ્રાર્થના કાર્યક્રમ બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાના શિક્ષક કિરણભાઇ સોલંકીએ સૌને આજના દિવસની ઉજવણી અંગેનું ધોરણવાર આયોજન સમજાવ્યું હતું. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ્દ પંચાલે આ પ્રોજેકટ શરૂ કરવા પાછળનો હેતુ સમજાવી વર્ષ દરમ્યાન ચાલનાર આ પ્રોજેક્ટ થકી બાળકો દર માસે એક દિવસ દફ્તર વગર આવશે ત્યારે તેમને શિક્ષકોની સાથે રાખી વિવિધ પ્રવૃત્તિઓ, વોકેશનલ ગાઈડન્સ, સંવાદ અને પ્રોજેકટમાં જોડવામાં આવશે તેની વિગતે વાત કરી હતી.

 

 

બી.આર.સી. સી. નિકુંજભાઈ સોલંકીએ શાળા દ્વારા જાહેર થયેલ આ પ્રોજેક્ટ થકી બાળકોને વિશેષ જ્ઞાનનો પણ લાભ મળશે એમ જણાવી Beyond the Textbook ના આયામ થકી બાળકો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો અને ગ્રામ્ય કારીગરોની મુલાકાતનો લાભ મળતાં વ્યવસાયિક વિષયો શીખવાની તક આપવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવી લીલીઝંડી આપી હતી. સી.આર.સી.સી. કો.ઑ. અનિલભાઈ રાણાએ આ પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. 380 જેટલા બાળકોએ શિક્ષકોની સાથે રહી દિવસ દરમ્યાન ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, વ્યવસાયકારો અને ખેતરની મુલાકાત લઈ પોતાના પાઠ્યક્રમ સંબંધી માહિતી અંગે વિશેષ પ્રવૃત્તિઓ કરી શાળામાં પરત ફર્યા હતા.

શાળાના આ પ્રોજેક્ટમાં બાળકોને ઉત્સાહ વધારવા એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઈ ઠાકોર, અરવિંદભાઈ તળપદા, સાલીમમીયા કાજી અને કેતનભાઈ પટેલે (જે.કે.ફાર્મ) પણ નાસ્તા અને ચોકલેટની વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વલાસણના માર્ગદર્શન હેઠળ વધુ આયોજન કરી આગળ વધવા સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.