Thursday, 10 March 2022

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી - 22

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી - 22 

       આજે દરેક ક્ષેત્રમાં નારી પોતાની આવડતના આધારે પ્રગતિ કરી રહી છે. ઘર, કુટુંબ અને સમાજમાં દીકરીઓને માન, મોભો તથા સન્માન મળે તથા મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષની વાતોથી માહિતગાર થાય તે હેતુથી એકતાનગર પ્રા.શાળા (નાપા) ખાતે શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાબહેનો તથા એસ.એમ.સી.માં કાર્યરત મહિલા કર્મચારીઓના સન્માનનો તથા માતૃ સંમેલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. 

 

જેમાં ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ સંગઠનના મહામંત્રી મનીષાબેન સોલંકી, એસ.એમ.સી. મહિલા સભ્યો, સરપંચશ્રી બિલ્કીશબાનુઉપસરપંચશ્રી મધુબેન ઠાકોર, શાળાના બહેનો, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ, શાળાના બાળકો તથા દીકરીઓની માતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકોએ સર્વધર્મ પ્રાર્થના કરી હતી. 

 

શાળાની દીકરીઓના હસ્તે હાજર સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ શાબ્દિક સ્વાગત મનીષાબેન ખ્રિસ્તીએ કર્યું હતું. વૈશાલીબેન વાઘેલાએ વિશ્વ મહિલા દિનની ઉજવણીનું મહત્વ સમજાવી સમગ્ર સૃષ્ટિ પર પોતાની આભા પાથરનાર નારીના ઉદાહરણો આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. કાર્યક્રમમાં હાજર મહિલાઓનું શાળા પરિવાર ધ્વારા પુસ્તકો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં હાજર ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ સંગઠનના મહામંત્રી મનીષાબેન સોલંકીએ શાળામાં અભ્યાસ કરતી બાળાઓ અભ્યાસક્ષેત્રે આગળ વધી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી, માતાઓને પોતાની દીકરીઓની કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ધોરણ ૬ થી ૮ની બાળાઓએ હાલના યુગમાં અલગ અલગ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી વિશ્વમાં નામના મેળવનાર મહિલાઓ પર વક્તવ્ય રજૂ કર્યા હતા. આ દીકરીઓને પેન ભેટ આપવામાં આવી હતી. 

 

શાળાના શિક્ષકશ્રી મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે શાળાકીય કાર્યોની માહિતી આપી બાળકો નિયમિત હાજરી આપે તેમ જણાવી આરોગ્ય વિષયક કાળજી લેવા હાજર દીકરીઓની માતાઓને અનુરોધ કર્યો હતો. સરપંચશ્રી તરફથી બાળકોને બુંદીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. 

 

કાર્યક્રમની આભારવિધિ સુરેખાબેન આહિરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા હિરવાબેન પંડ્યાએ કર્યું હતું.