Saturday, 8 October 2022

દફતર વગરનો દિવસ

 એક્તાનગર શાળામાં NEP અંતર્ગત 'દફતર વગરનો દિવસ' મનાવાયો.

 

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ધારાધોરણને ધ્યાને રાખી વેકેશનના દિવસો સહિત વર્ષમાં વધુમાં વધુ 10 દિવસ બાળકોને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ સાથે વિશેષ પ્રવૃત્તિમાં જોતરવામાં આવે તેવી જોગવાઈને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં પ્રથમવાર બોરસદ તાલુકાની એકતાનગર શાળા(નાપા)માં “દફ્તર વગરનો  દિવસ” પ્રોજેકટની આ માસથી શરૂઆત કરવામાં આવી. જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા બી.આર.સી.સી. નિકુંજભાઈ સોલંકી, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, મુ.શિ. ભાનુપ્રસાદ્દ પંચાલ અને શાળા પરિવારે હાજરી આપી હતી. 

 

 

પ્રાર્થના કાર્યક્રમ બાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાના શિક્ષક કિરણભાઇ સોલંકીએ સૌને આજના દિવસની ઉજવણી અંગેનું ધોરણવાર આયોજન સમજાવ્યું હતું. શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ્દ પંચાલે આ પ્રોજેકટ શરૂ કરવા પાછળનો હેતુ સમજાવી વર્ષ દરમ્યાન ચાલનાર આ પ્રોજેક્ટ થકી બાળકો દર માસે એક દિવસ દફ્તર વગર આવશે ત્યારે તેમને શિક્ષકોની સાથે રાખી વિવિધ પ્રવૃત્તિઓ, વોકેશનલ ગાઈડન્સ, સંવાદ અને પ્રોજેકટમાં જોડવામાં આવશે તેની વિગતે વાત કરી હતી.

 

 

બી.આર.સી. સી. નિકુંજભાઈ સોલંકીએ શાળા દ્વારા જાહેર થયેલ આ પ્રોજેક્ટ થકી બાળકોને વિશેષ જ્ઞાનનો પણ લાભ મળશે એમ જણાવી Beyond the Textbook ના આયામ થકી બાળકો ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો અને ગ્રામ્ય કારીગરોની મુલાકાતનો લાભ મળતાં વ્યવસાયિક વિષયો શીખવાની તક આપવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવી લીલીઝંડી આપી હતી. સી.આર.સી.સી. કો.ઑ. અનિલભાઈ રાણાએ આ પ્રવૃત્તિઓમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. 380 જેટલા બાળકોએ શિક્ષકોની સાથે રહી દિવસ દરમ્યાન ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, વ્યવસાયકારો અને ખેતરની મુલાકાત લઈ પોતાના પાઠ્યક્રમ સંબંધી માહિતી અંગે વિશેષ પ્રવૃત્તિઓ કરી શાળામાં પરત ફર્યા હતા.

શાળાના આ પ્રોજેક્ટમાં બાળકોને ઉત્સાહ વધારવા એસ.એમ.સી. અધ્યક્ષ સંજયભાઈ ઠાકોર, અરવિંદભાઈ તળપદા, સાલીમમીયા કાજી અને કેતનભાઈ પટેલે (જે.કે.ફાર્મ) પણ નાસ્તા અને ચોકલેટની વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વલાસણના માર્ગદર્શન હેઠળ વધુ આયોજન કરી આગળ વધવા સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.