Saturday, 2 December 2023

વેકેશન વર્કશોપ નવે. 2023

 વેકેશન વર્કશોપ નવે. 2023 

લાયન્સ કલબ બોરસદ સિટી અને નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદના સહયોગથી 

એક્તાનગર શાળામાં વેકેશન વર્કશોપનું આયોજન 

NEP  2020માં કૌશલ્યો ઉપર  વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે એકતાનગર પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ, બોરસદ સીટી અને નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદના સહયોગથી ચાર દિવસીય વેકેશન વર્કશોપ ખુલ્લો મુકવામાં આવ્યો. 

 

જેમાં લાયન્સ ક્લબ બોરસદ સિટીના પ્રમુખ કુણાલભાઈ શર્મા, ખજાનચી દિલીપભાઈ પટેલ, સહમંત્રી ભાવિકભાઈ શાહ, ડૉ. સોનિયા પંજાબી, સી.આર.સી.સી. અનિલભાઈ રાણા, ગ્રામ અગ્રણી સંજયભાઈ ઠાકોર, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ, વર્કશોપ કો.ઑ. હિતેનભાઇ, સમીરભાઈ, દશરથભાઈ પટેલ, બાળકો તથા શિક્ષકોએ વેકેશન વર્કશોપ શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપી. મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે શાળામાં છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા વેકેશન વર્કશોપ અંગે માહિતી આપી બાળકોના શૈક્ષણિક વિકાસમાં NGO જોડાઈ સહભાગી બને છે તેની ખુશી વ્યક્ત કરી હતી. કૃણાલભાઈ શર્માએ શાળા અને બાળકો સાથે સંસ્થા જોડાઈ છે તેનો રાજીપો વ્યક્ત કરી આવનાર દિવસોમાં શાળાને ઉપયોગી થવાની ખાતરી આપી હતી.

  

સમગ્ર ભારતમાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઇ રહી છે ત્યારે શાળાના બાળકોને સી.આર.સી.સી. અનિલભાઈ રાણાએ અને વૈદિક ગણિત વિશે ડૉ .સોનિયા પંજાબીએ બાળકો સાથે પ્રવૃત્તિસભર માહિતી પૂરી પાડી હતી. 

 

વર્કશોપના બીજા દિવસે યોગ, સાધના અને પ્રાણાયામ થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં શાળાના શિક્ષક સમીરભાઈ દિવાને બાળકોને સાધનામાં જોડી મહત્વની વાતો સમજાવી હતી. નોબલ હેંડ્સના પ્રતિનિધિ ભાઈઓએ વર્કશોપમાં સહભાગી બાળકોને કસરતના દાવ સાથે સાથે કરાટેની કરામત થકી સ્વરક્ષણ અંગે જાગૃત કર્યા હતા.  

 

સમગ્ર શિક્ષા ધ્વારા મળેલ LBD (Learning By Doing)માં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ તેની સમજ શાળાના શિક્ષક સમીરભાઈ અને કિરણભાઈ સોલંકીએ આપી હતી. જાતે કરી શકાય તેવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરીને બાળકોએ ખૂબ મજા માણી હતી.

ત્યારબાદના સેશનમાં ઘુંટેલી શાળાના શિક્ષિકા દેવ્યાંશીબેન પંડ્યાએ બાળકોને અંગ્રેજી શીખવાની સરળ રીતો અને સ્પેલિંગ યાદ રાખવાની રીત પણ શીખવી હતી. આવનાર દિવસોમાં બાળકો પોતાના ધોરણનું અંગ્રેજી વધુ પાકું થાય તે હેતુથી જાતે ડિક્શનરી બનાવવાની રીત પણ શીખવી હતી.

સામાજિક વિજ્ઞાન વિષયના SRG સી.આર.સી.સી. અનિલભાઈ રાણાએ સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશા અંગે હજી ગૂચવણો ઊભી થતી જોવાં મળે છે ત્યારે નકશાને ચાર ભાગમાં વહેંચી જે તે જિલ્લાને યાદ રાખી નકશાપૂરણી કરવાનું કામ સરળ કરી સમજાવ્યું હતું.

 

ત્રીજા દિવસની કાર્યશાળામાં સ્વરક્ષણ માટે કરાટેના દાવથી શરૂ કરી સ્કેટિંગની કરવાનો પણ આનંદ માન્યો હતો. માઈક્રોસોફ્ટ ઈનોવેટિવ એજ્યુકેટર અને સિંહોલ હાઇસ્કૂલના વડા એવા અલ્પેશભાઈ ભટ્ટ દ્વારા બાળકોને સાથે રાખી ૩૫ થી વધુ પ્રયોગો કરાવી તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવી.

 

 

આ ઉપરાંત, સાયન્સ વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપિકા નયનાબેન કાંટાવાલા અને અશોકભાઈ કાંટાવાલાના હસ્તે ગણિત સંદર્ભે અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી તથા મેજિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સી.આર.સી. નાપા કન્યા અંતર્ગતની એકતાનગર શાળામાં વેકેશન વર્કશોપનો સમાપન સમારોહ અને વાલી મીટીંગ યોજવામાં આવી. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સુનીલભાઈ સોલંકી, ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, જિ.પં. કારોબારી સભ્ય સાજીદભાઈ રાણા, ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ, હેમાબેન(USA), લાયન્સ ક્લબ બોરસદ પ્રમુખ કૃણાલભાઈ શર્મા, મેઘલ પંચાલ, નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન ફાઉન્ડર રીપલબેન ડાભી, સી.આર.સી.સી અનિલભાઈ રાણા, હરમાનજી ઠાકોર, હિમાંશુભાઈ રાજપૂત, ડૉ.સોનિયા પંજાબી, વાલીઓ, શાળા પરિવાર તથા બાળકોએ હાજરી આપી હતી. 

 


 

પ્રાર્થના બાદ હાજર મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ શાળાની પ્રવૃત્તિઓમાં NGO ના સહકાર સંદર્ભે માહિતી આપી બાળકો દ્વારા થતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. શાળા દ્વારા ચેરમેન સાહેબનું શાલ અને 'ધબકારવડે સન્માન કરાયું હતું. શિક્ષણ સમિતિના ચેરમેન સુનીલભાઈ સોલંકીએ બાળકો સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી હતી. મહેશભાઈ પટેલ તથા સાજીદભાઈ રાણાએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. ચોથા દિવસે હિમાંશુભાઈ રાજપૂતે અંગ્રેજી વિષયના અઘરામુદ્દાઓને સરળ કરીને પ્રવૃત્તિઓ સાથે સમજ આપી હતી. યોગ, કસરત અને કરાટેના દાવ પણ કરાવવામાં આવ્યા હતા. 

   

લાયન્સ કલબ બોરસદ સીટીના આર્થિક સહયોગથી વેકેશન વર્કશોપમાં સહભાગી બાળકોનું પ્રમાણપત્ર વડે અને સેવા આપનાર તજજ્ઞોનું મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા 4 દિવસ કરાટેની તાલીમ અપાઈ હતી. 

સ્વ.બાબુકાકા પરિવાર તરફથી શાળાને ડાયસ ભેટ આપવા આવ્યું હતું .સમગ્ર વર્કશોપનું સંચાલન હિતેનભાઈ સોલંકીએ કર્યું હતું. શાબ્દિક સ્વાગત સમીરભાઈએ તથા આભારવિધિ કિરણભાઈ સોલંકીએ કરી હતી. શાળા પરિવારે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

 
.................................................