વિશ્વ માતૃભાષા દિન ઉજવણી - 2024
તા : 21/02/2024 ના રોજ 'વિશ્વ માતૃભાષા દિવસ' અંતર્ગત એકતાનગર પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત શાળાના ભાષા શિક્ષક સુરેખાબેન આહીર, ડો. હિતેન સોલંકી અને દશરથભાઈ પટેલ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તા. 20/૦2/2024 ના રોજ આ સંદર્ભે કાવ્યગાન સ્પર્ધા, વાર્તાલેખન સ્પર્ધા અને વાર્તાકથન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
ખાસ કરીને વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિને વેગ મળે
અને તેઓ પોતાના મૌલિક વિચારો વ્યક્ત કરતા થાય તે માટે વાર્તાલેખન સ્પર્ધા
યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં દશરથકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સારી વાર્તા કેવી રીતે લખી શકાય
તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓની સ્પર્ધા
યોજવામાં આવી હતી. સુરેખાબેન આહીર દ્વારા કવિતાગાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કવિતાગાન
સ્પર્ધા નું સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં
વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વાર્તાલેખનમાં ધોરણ 8 ના વિદ્યાર્થી સહેજાદનો
પ્રથમ નંબર આવ્યો હતો. કવિતાગાનમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની
ભૂમિકા રોહિતનો પ્રથમ નંબર આવ્યો હતો, જ્યારે વાર્તાકથન સ્પર્ધામાં ધોરણ 6 ની વિદ્યાર્થીની
મેઝબિનનો પ્રથમ નંબર આવ્યો હતો.
તા 21/૦2/2024 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ પ્રાર્થનાસભા દરમ્યાન યોજવામાં આવ્યો. ધોરણ 8 ની વિદ્યાર્થીની સીમાબાનુ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કેમ ઉજવવામાં આવે છે? અને આ દિવસ ઉજવવાના કયા કયા કારણો છે તે અંગેની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને માતૃભાષા દિવસનો ઇતિહાસ અને હાલમાં માતૃભાષા સામે કેવા કેવા પડકારો છે તે અંગેની સરસ માહિતી વિદ્યાર્થીઓને આપી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અંગેની સરસ માહિતી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં કેવી સરસ કલ્પનાઓ કરી શકે છે તે અંગેની માહિતી મેળવવાનો સમય હતો. તેથી વાર્તાકથન અને વાર્તાલેખનમાં પ્રથમ નંબર મેળવનાર બંને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વાર્તા અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી.
વાર્તાકથનના કાર્યક્રમ બાદ ભાષા શિક્ષિકા સુરેખાબેન આહીર દ્વારા કવિ દલપતરામનો પરિચય આપવામાં આવ્યો અને તેમણે સાહિત્યક્ષેત્રે કરેલ પ્રદાન વિશે માહિતી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. કવિ દલપતરામની બે મહત્વની કૃતિ 'લક્ષ્મી' અને 'મિથ્યાભિમાન' વિશે માહિતી આપ્યા બાદ ધોરણ 7,8 ના વિદ્યાર્થીઓ દ્વારા કવિ દલપતરામની કૃતિ 'મિથ્યાભિમાન'ના બે પ્રસંગો નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને આ નાટકમાં ખૂબ જ મજા આવી અને ગમ્મત સાથે તેમણે માતૃભાષાના મહત્વ વિશે સમજ કેળવી.