Sunday, 10 March 2024

વાર્ષિકોત્સવ 2023-24

એકતાનગર પ્રા. શાળામાં વાર્ષિકોત્સવ, સરસ્વતી મંદિર સ્થાપના, 

બાલવાર્તા પુસ્તક વિમોચન, વિશ્વ મહિલા દિન ઉજવણી

વર્ષ દરમિયાન થતા શાળાકીય કાર્યક્રમોમાં બાળકો સહભાગી બને તથા તેમને તેમના કાર્યોને પ્રોત્સાહન મળે તે હેતુથી એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી, સરસ્વતી મંદિર સ્થાપના પૂજન તથા બાળવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખેનું વિમોચન કરવામાં આવ્યું. 

 

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ, જિ.પં. સદસ્ય સાજીદભાઈ રાણા, પિયુષભાઈ પટેલ, ડૉ.રમણ માધવ, મનીષાબેન સોલંકી, પૂર્વ તા.પં.સદસ્ય ઈરફાનમીયાં કાજી, સાલીમમીયાં કાજી, અનિલભાઈ રાણા, એસ.એમ.સી. ઉપાધ્યક્ષ નવઘણભાઈ તળપદા, આર્ટિસ્ટ આશિષ સુથારે તથા ગ્રામજનો, એસ.એમ.સી. સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની દીકરીઓ ધ્વારા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.  શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સૌને શબ્દોથી આવકાર્યા હતા. જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ તથા અન્ય મહેમાનોના હસ્તે બાળવાર્તા પુસ્તક પતંગિયાં પાંખે'નું વિમોચન કરવામાં આવ્યું હતું. 


 

પોતાના વક્તવ્યમાં બાળકોના વાર્તા લેખનને બિરદાવી શાળાના પ્રયાસને આવકાર્યો હતો. શાળા ધ્વારા બાળવાર્તા લેખકોનું ઈનામો આપી સન્માન કરાયું હતું. સી.આર.સી.નાપા કન્યા અને બી.આર.સી. બોરસદ માં વાર્તા લેખનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોનું ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળવાર્તા લખનાર શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા.

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ ધ્વારા સરસ્વતી મંદિરના સ્થાપના પૂજનવિધિ કરવામાં આવી હતી. બાલવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખે માં મુખપૃષ્ઠ ચિત્ર અને વાર્તા ચિત્રો દોરનાર આશિષભાઈ સુથાર તથા ભગીરથ બ્રહ્મભટ્ટનું શાળા ધ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા 50 થી વધુ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

 

દર વર્ષે આપવામાં આવતા Student of the Year બહુમાન માટે વિદ્યાર્થીઓમાં હજરતઅલી સૈયદ અને વિદ્યાર્થિનીઓમાં ભૂમિકાબેન રોહિતની પસંદગી થતાં મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. વર્ષ દરમ્યાન શૈક્ષણિક કાર્યમાં ઉત્તમ કારી બદલ વૈશાલીબેન વાઘેલાને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. 

સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકીના આર્થિક સહયોગથી ધો.1 થી 8 માં પ્રથમ ક્રમે આવનાર દરેક વર્ગના બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીએ વિશ્વ મહિલા દિન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધો. 1 થી 8 ના બાળકો ધ્વારા નાટક, ગીત, સંવાદ અને ડાન્સ જેવા વિવિધ મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 

મહેમાનો અને વાલીઓએ બાળકોના વિવિધતાસભર કાર્યક્રમોને બિરદાવી ઈનામો પણ આપ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મેજબીનબાનુ તથા શિક્ષક કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શિક્ષક કનુભાઈ રબારીએ કરી હતી. એસ.એમ.સી તથા શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.

 
.......................................................................