Wednesday, 22 February 2023

માતૃભાષા ગૌરવ - '23

માતૃભાષા ગૌરવ - '23

"મને મારી ગુજરાતી ભાષા ગમે છે કારણ કે, મને મારી માં ગમે છે." એવી ઉત્તમ વિચારસરણી સાથે શાળામાં 'વિશ્વ માતૃભાષા દિવસ'ની અનોખી ઉજવણી કરવામાં આવી. જેમાં શિક્ષકોના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાળકોએ અદ્ભુત પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. 


કાર્યક્રમની શરૂઆતમાં મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે માતૃભાષા દિવસનું મહત્વ સમજાવ્યું હતું. સુરેખાબેન આહિરે આજના દિવસે યોજાનાર પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. 
ભૂમિકા રોહિતે ગુજરાતી ગીત ગાન કર્યું હતું. વર્ષ દરમ્યાન પુસ્તકાલયનો ઉપયોગ 
કરતાં બાળકો પૈકી બે બાળકોએ પુસ્તક સમીક્ષા કર્યા બાદ નિકુંજ તળપદાએ પોતાના 
સુમધુર અવાજમાં લગ્નગીત રજૂ કરી સૌને ડોલાવી દીધા હતા.

 

 

ધો. 6 ના બાળકોએ અભિનય સાથે કાવ્યગાન, ધો. 8 ના બાળકો ધ્વારા ગુજરાતી લોકનૃત્ય રજૂ કરાયું હતું. સૌથી વધારે મજા તો રંગલો-રંગલી ધ્વારા રજૂ થયેલ ભવાઈમાં આવી હતી. બાળકોના પ્રયત્નો થકી ગુજરાતી ભાષા અંતર્ગત પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. 

 

અંગ્રેજીના પ્રભાવથી અંજાઈને ગુજરાતી યુવાનો કયારેક પોતાની માતૃભાષા ભૂલી અંગ્રેજીમાં વાતચીત કરતાં ઊભી થતી મુશ્કેલીઓ ધો. 7 ના બાળકોએ "Water Water" નાટિકા ધ્વારા રજૂ કરી હતી. 

 

 મહેસાણી લોકબોલીમાં ભૂમિકા રોહિતે મિમિક્રી રજૂ કરી સૌને પેટ પકડીને હસાવ્યા હતા. સાચે જ, બાળકોને આજના દિવસની વિશેષ માહિતી અને મહત્વ કાર્યક્રમમાં ભાગ લઈને વધાર્યું એમ કહીએ તો ખોટું નથી. શાળાના ભાષા શિક્ષકો હિતેનભાઈ સોલંકી અને સુરેખાબેન આહિરે કરેલા પ્રયત્નોના પરિણામ સ્વરૂપ કાર્યક્રમ સફળ રહ્યો હતો. 

 

શાળાના બાળકોએ શિક્ષણ વિભાગ આયોજિત બાયસેગના પ્રસારણને નિહાળી ગુજરાતી લેખકો, કવિઓ, સંતો અને ગુજરાતનાં નામાંકિત વ્યક્તિઓની વિશેષ માહિતી પણ પ્રાપ્ત કરી હતી. ખરેખર, બાળકો માટે ખૂબ જ માહિતીપ્રદ, વિશેષ જાણકારી આપનાર તથા ગુજરાતી ભાષા માટે ગૌરવ લઈ શકે તેવી રીતે દિવસ પસાર થયો. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારે પણ જરૂરી સહકાર પૂરો પાડ્યો હતો. 


"જય ગુજરાતી"

  












 

Tuesday, 21 February 2023

પ્રવાસ - '23

 દફ્તર વિનાના દિવસ”નું આયોજન, શૈક્ષણિક પ્રવાસ સાથે 

બાળકોમાં જિજ્ઞાસાવૃતિ વધે તથા આપણી ઐતિહાસિક ધરોહર વિશે માહિતી મેળવે તેવા હેતુ સાથે શાળામાંથી ધોરણ 6 થી 8ના બાળકો માટે અમદાવાદ અને ગાંધીનગર ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

શાળામાં તથા પ્રવાસમાં આવનાર બાળકો દિવસ દરમ્યાન જ્ઞાન અને મનોરંજન સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાય તે હેતુથી “દફતર વિનાના દિવસ”નું પણ આયોજન કરાયું હતું. તે અંતર્ગત બાળકોએ બસમાં ગીતોના ગણ સાથે આનંદ પણ મેળવ્યો. મહેમદાવાદ ખાતે ગણપતિ મંદિરના દર્શન કરી પ્રવાસની મજા માણી હતી.
 
 

અંદવાદ્ની સાબરમતી નદી પર બાંધવામાં આવેલ અટલ બ્રિજની મુલાકાત લઈ યતેના બાંધકામ અંગેની વિશેષ જાણકારી મેળવી હતી. આ જ સ્થળે મુંબઈના વકીલ એવા કિરણ મહેતાએ બાળકો સાથે વાતચીત કરી આનંદ કરાવ્યો હતો. આ ઉપરાંત, ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લઈ તે વિશે માહિતગાર થયા હતા. 

 

 

શાળામાંથી આયોજન કરવામાં આવેલ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સાયન્સ સિટીમાં વિજ્ઞાનને લગતા અવનવા પ્રયોગો, ભૂકંપ, 4D થિયેટરનો અનુભવ, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન વિષયક અવનવી પ્રવૃત્તિઓ જાણી બાળકોએ અનુભવી પણ હતી.

 

ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં બાળકોએ ડાયનોસોર જેવી લુપ્ત થતી જાતિઓ તથા પ્રાણી સંગ્રહાલયમાંના સિંહ, દીપડો, હરણ અને અજગર જેવા પ્રાણીઓ નિહાળી તેમના વિશે જાણકારી મેળવી હતી. 
 
પ્રવાસ દરમ્યાન બાળકોએ સાથે મળી કેન્ડીની મજા માણી હતી તથા બગીચામાં રહેલા હીંચકા, લપસણી જેવા રમતના સાધનો સાથે આનંદ મેળવ્યો હતો.
 



સમગ્ર દિવસ દરમિયાન શાળામાં હાજર બાળકોએ ધોરણ મુજબ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી “દફતર વિનાના દિવસની ઉજવણી કરી હતી. જેમાં ધોરણવાર બાળકોએ શિક્ષકની સાથે રહી વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી નિભાવી હતી. મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા જેરુષાબેન જાદવ દ્વારા સમગ્ર આયોજન મુજબ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવારનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.