Sunday, 10 March 2024

વાર્ષિકોત્સવ 2023-24

એકતાનગર પ્રા. શાળામાં વાર્ષિકોત્સવ, સરસ્વતી મંદિર સ્થાપના, 

બાલવાર્તા પુસ્તક વિમોચન, વિશ્વ મહિલા દિન ઉજવણી

વર્ષ દરમિયાન થતા શાળાકીય કાર્યક્રમોમાં બાળકો સહભાગી બને તથા તેમને તેમના કાર્યોને પ્રોત્સાહન મળે તે હેતુથી એકતાનગર શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી, સરસ્વતી મંદિર સ્થાપના પૂજન તથા બાળવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખેનું વિમોચન કરવામાં આવ્યું. 

 

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ, જિ.પં. સદસ્ય સાજીદભાઈ રાણા, પિયુષભાઈ પટેલ, ડૉ.રમણ માધવ, મનીષાબેન સોલંકી, પૂર્વ તા.પં.સદસ્ય ઈરફાનમીયાં કાજી, સાલીમમીયાં કાજી, અનિલભાઈ રાણા, એસ.એમ.સી. ઉપાધ્યક્ષ નવઘણભાઈ તળપદા, આર્ટિસ્ટ આશિષ સુથારે તથા ગ્રામજનો, એસ.એમ.સી. સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળાની દીકરીઓ ધ્વારા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.  શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે સૌને શબ્દોથી આવકાર્યા હતા. જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ તથા અન્ય મહેમાનોના હસ્તે બાળવાર્તા પુસ્તક પતંગિયાં પાંખે'નું વિમોચન કરવામાં આવ્યું હતું. 


 

પોતાના વક્તવ્યમાં બાળકોના વાર્તા લેખનને બિરદાવી શાળાના પ્રયાસને આવકાર્યો હતો. શાળા ધ્વારા બાળવાર્તા લેખકોનું ઈનામો આપી સન્માન કરાયું હતું. સી.આર.સી.નાપા કન્યા અને બી.આર.સી. બોરસદ માં વાર્તા લેખનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોનું ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાળવાર્તા લખનાર શિક્ષકોને બિરદાવવામાં આવ્યા હતા.

જાણીતા સાહિત્યકાર ભગીરથ બ્રહ્મભટ્ટ ધ્વારા સરસ્વતી મંદિરના સ્થાપના પૂજનવિધિ કરવામાં આવી હતી. બાલવાર્તા પુસ્તક પતંગિયાંની પાંખે માં મુખપૃષ્ઠ ચિત્ર અને વાર્તા ચિત્રો દોરનાર આશિષભાઈ સુથાર તથા ભગીરથ બ્રહ્મભટ્ટનું શાળા ધ્વારા મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા 50 થી વધુ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

 

દર વર્ષે આપવામાં આવતા Student of the Year બહુમાન માટે વિદ્યાર્થીઓમાં હજરતઅલી સૈયદ અને વિદ્યાર્થિનીઓમાં ભૂમિકાબેન રોહિતની પસંદગી થતાં મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. વર્ષ દરમ્યાન શૈક્ષણિક કાર્યમાં ઉત્તમ કારી બદલ વૈશાલીબેન વાઘેલાને મોમેન્ટો આપી બહુમાન કરાયું હતું. 

સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકીના આર્થિક સહયોગથી ધો.1 થી 8 માં પ્રથમ ક્રમે આવનાર દરેક વર્ગના બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીએ વિશ્વ મહિલા દિન વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધો. 1 થી 8 ના બાળકો ધ્વારા નાટક, ગીત, સંવાદ અને ડાન્સ જેવા વિવિધ મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 

મહેમાનો અને વાલીઓએ બાળકોના વિવિધતાસભર કાર્યક્રમોને બિરદાવી ઈનામો પણ આપ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મેજબીનબાનુ તથા શિક્ષક કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શિક્ષક કનુભાઈ રબારીએ કરી હતી. એસ.એમ.સી તથા શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો હતો.

 
.......................................................................















Thursday, 29 February 2024

વિશ્વ માતૃભાષા દિન ઉજવણી - 2024

 વિશ્વ માતૃભાષા દિન ઉજવણી - 2024

તા : 21/02/2024 ના રોજ 'વિશ્વ માતૃભાષા દિવસ' અંતર્ગત એકતાનગર પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત શાળાના ભાષા શિક્ષક સુરેખાબેન આહીર, ડો. હિતેન સોલંકી અને દશરથભાઈ પટેલ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તા. 20/૦2/2024 ના રોજ આ સંદર્ભે કાવ્યગાન સ્પર્ધા, વાર્તાલેખન સ્પર્ધા અને વાર્તાકથન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.  

ખાસ કરીને વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિને વેગ મળે અને તેઓ પોતાના મૌલિક વિચારો વ્યક્ત કરતા થાય તે માટે વાર્તાલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં દશરથકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સારી વાર્તા કેવી રીતે લખી શકાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓની સ્પર્ધા યોજવામાં આવી હતી. સુરેખાબેન આહીર દ્વારા કવિતાગાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કવિતાગાન સ્પર્ધા નું સંચાલન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વાર્તાલેખનમાં ધોરણ 8 ના વિદ્યાર્થી સહેજાદનો પ્રથમ નંબર આવ્યો હતો. કવિતાગાનમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની ભૂમિકા રોહિતનો પ્રથમ નંબર આવ્યો હતો, જ્યારે વાર્તાકથન સ્પર્ધામાં ધોરણ 6 ની વિદ્યાર્થીની મેઝબિનનો પ્રથમ નંબર આવ્યો હતો.

તા 21/૦2/2024 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ પ્રાર્થનાસભા દરમ્યાન યોજવામાં આવ્યો. ધોરણ 8 ની વિદ્યાર્થીની સીમાબાનુ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કેમ ઉજવવામાં આવે છે? અને આ દિવસ ઉજવવાના કયા કયા કારણો છે તે અંગેની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને માતૃભાષા દિવસનો ઇતિહાસ અને હાલમાં માતૃભાષા સામે કેવા કેવા પડકારો છે તે અંગેની સરસ માહિતી વિદ્યાર્થીઓને આપીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અંગેની  સરસ માહિતી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં કેવી સરસ કલ્પનાઓ કરી શકે છે તે અંગેની માહિતી મેળવવાનો સમય હતો. તેથી વાર્તાકથન અને વાર્તાલેખનમાં પ્રથમ નંબર મેળવનાર બંને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વાર્તા અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવી.  

  

વાર્તાકથનના કાર્યક્રમ બાદ ભાષા શિક્ષિકા સુરેખાબેન આહીર દ્વારા કવિ દલપતરામનો પરિચય આપવામાં આવ્યો અને તેમણે સાહિત્યક્ષેત્રે કરેલ પ્રદાન વિશે માહિતી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. કવિ દલપતરામની બે મહત્વની કૃતિ 'લક્ષ્મી' અને 'મિથ્યાભિમાન' વિશે માહિતી આપ્યા બાદ ધોરણ 7,8 ના વિદ્યાર્થીઓ દ્વારા કવિ દલપતરામની કૃતિ 'મિથ્યાભિમાન'ના બે પ્રસંગો નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને આ નાટકમાં ખૂબ જ મજા આવી અને ગમ્મત સાથે તેમણે માતૃભાષાના મહત્વ વિશે સમજ કેળવી. 


કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકાબેન વૈશાલીબેન દ્વારા સુંદર ગીતનું ગાન કરવામાં આવ્યું અને ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી સમીરભાઈ દ્વારા પણ સુંદર કાવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.








Sunday, 28 January 2024

ખેલ મહાકુંભ શાળા કક્ષા 2023/24

ખેલ મહાકુંભ શાળા કક્ષા - 2023/24 


શાળા કક્ષાએ ખેલ મહાકુંભની તૈયારીના ભાગરૂપે બાળકો અને શિક્ષકો તૈયાર 

 

 

U 9 અને U - 11 ના બાળકોએ દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ખૂબ 
ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 




U 14 અને U - 17 ના બાળકોએ ઊંચી કૂદ, લાંબી દોડ અને ગોળા ફેંક જેવી વિવિધ 
રમતોમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 

 

શાળા કક્ષાએ ભાગ લઈ વિજેતા બનેલા બાળકોએ તાલુકા કક્ષાએ ભાગ લઈ પોતાનું પ્રતિનિધિત્વ કરી શાળાનું નામ પણ રોશન કર્યું. 


વિજેતા બાળકોને શાળા કક્ષાએથી વાર્ષિકોત્સવ પ્રસંગે ઇનામો આપી 
બહુમાન કરવામાં આવશે. 







 

75 મા સ્વાતંત્રપર્વની ઉજવણી તથા વાલી સંમેલન- 24

 એકતાનગર શાળામાં 75 મા સ્વાતંત્રપર્વની ઉજવણી તથા વાલી સંમેલન

બાળકોમાં દેશડાઝ જ ઊભી થાય તથા રાષ્ટ્ર પ્રત્યે સન્માન જળવાય તે હેતુથી શાળામાં રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત એકતાનગર પ્રાથમિક શાળામાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી તથા વાલી સંમેલન યોજવામાં આવ્યું. આ પ્રસંગે ગામની સૌથી વધુ ભણેલી બે દીકરીઓ અસ્માબાનુ સૈયદ અને હેતલબેન ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રા.પં. નાપાના ઉપસરપંચ મધુબેન ઠાકોર, ગ્રામ અગ્રણી પિયુષભાઈ પટેલ, SMC ઉપાધ્યક્ષ નવઘણભાઈ, શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલ, વાલીઓ, શિક્ષકો અને બાળકોએ હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી ગામની સૌથી વધારે ભણેલ બંને દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સૌએ સાથે મળી શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 

 

શાળાની દીકરીઓના હસ્તે હાજર મહેમાનો તથા એસ.એમ.સી. સભ્યોનું સ્વાગત કરાયું હતું. ધ્વજવંદન કરનાર બે દીકરીઓનું શાળા ધ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. 1 વર્ષ પૂર્ણ કરનાર દીકરીઓને પ્રમાણપત્ર ધ્વારા સન્માન કરાયું હતું. શાળાના શિક્ષક સમીરભાઈ દિવાન, કિરણભાઈ સોલંકી તથા અન્ય દાતાઓએ શાળામાં રોકડ દાન આપ્યું હતું. ગ્રા.પં. નાપા દ્વારા બાળકોને બુંદીનું વિતરણ કરાયું હતું.

 

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પિયુષભાઈ પટેલે બાળકોને અભ્યાસ તથા સ્વચ્છતા પ્રત્યે કાળજી લેવા અનુરોધ કર્યો હતો. શાળાના મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે શાળામાં સમગ્ર શિક્ષા દ્વારા ચાલતા ટ્રાન્સપોર્ટેશન, ગુણોત્સવ, વિકલાંગ બાળકો માટે શિક્ષણ, સ્કૂલ ઓફ એક્સલન્સ જેવા કાર્યક્રમોની માહિતી આપી આગામી દિવસમાં થનારા કાર્યોથી હાજર સૌ વાલીઓને માહિતગાર કરી બાળકોને શાળામાં નિયમિત મોકલવા માટે અનુરોધ કર્યો હતો. 

 

શાળાના ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન મેજબીન કાજી અને હજરતઅલી સૈયદે કર્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષક હિતેનભાઈ સોલંકીએ કરી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ સૌ છૂટા પડ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.