Friday, 11 September 2020

જે.સી.આઈ. દ્વારા બાળકોને માસ્ક તથા મચ્છર જાળી વિતરણ

 

એકતાનગર શાળામાં જે.સી.આઈ. દ્વારા બાળકોને માસ્ક વિતરણ તથા મચ્છર જાળીનું  વિતરણ

 

બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા વાયરસજન્ય રોગોથી બચી શકાય તે હેતુથી પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખવા બાળકો થકી થયેલી પ્રવૃત્તિઓને બિરદાવવાના હેતુથી જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા બાળકોને માસ્ક વિતરણ તથા મચ્છર જાળીનું વિતરણ કરવામાં આવ્યું. 

જે પ્રસંગે જે.સી.આઈ. મિલ્કસીટી, આણંદના પ્રમુખ પિયુષભાઈ ચાવડા, જે.સી.વીક ચેરમેન અમિતભાઈ કાછીયા, કો.ઓ. ભગીરથ વહોરા, પ્રો.ચેરમેન ગીતાબેન ચાવડા, અન્ય જે.સી.આઈ. સભ્યો, એસ.એમ.સી. અધ્યક્ષ રમીલાબેન ઠાકોર તથા મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે હાજરી આપી હતી.

હાજર મહેમાનોનું પ્રેરણા પુસ્તિકા અને શાળા બાગના કાશ્મીરી ગુલાબથી સ્વાગત કરાયું હતું. જે.સી.આઈ. દ્વારા આત્મનિર્ભર જે.સી. વીકની શરૂઆતમાં બોરસદ તાલુકાની એકતાનગર પ્રા. શાળામાં શાળા સ્વચ્છતા સંદર્ભે હેન્ડવોશ મશીન ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુર્વેદિક દવામાં ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ‘આયુર્વેદિક વન પ્રોજેક્ટ’ ની શરૂઆત કરવામાં આવી. શાળા અને સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન વૃક્ષોના ઉછેર, જતન અને સંવર્ધન કરી ‘આયુર્વેદિક વન’ તૈયાર કરવામાં આવશે. જરૂરિયાત મંદ બાળકોના ઘરે જઈ મહેમાનોના હસ્તે મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું.

 

વર્ષ દરમ્યાન જે બાળકોએ વૃક્ષ વાવીને તેનું જતન કર્યું છે તે બાળકોને તેમના ઘરે સામાજિક અંતર સાથે વાલીની હાજરીમાં જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદ દ્વારા સંસ્થા અને શાળાના લોગો ધરાવતા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા લાયન્સ ક્લબ, અમૂલ આણંદ દ્વારા આ બાળકોને વૃક્ષ મિત્ર’ પ્રમાણપત્ર પણ આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

લાયન્સ ક્લબ, અમૂલ આણંદના પ્રેસિડેન્ટ મનોજભાઈ પરમારે બાળકો, એસ.એમ.સી. અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. જે.સી.આઈ. મિલ્ક સીટી, આણંદના પ્રમુખ પિયુષભાઈ ચાવડાએ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી આગામી સમયમાં નવા આયામો સાથે સહભાગી થવાની ખાતરી આપી હતી. હિતેનભાઈ સોલંકીએ એસ.એમ.સી. અને શાળા પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.

No comments:

Post a Comment