Tuesday, 29 August 2023

રાષ્ટ્રીય રમતગમત દિવસ - '23 ની ઉજવણી

'નેશનલ સ્પોર્ટ્સ ડે' અંતર્ગત વિવિધ રમતોનું આયોજન

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ 'રાષ્ટ્રીય રમતગમત દિવસ' (નેશનલ સ્પોર્ટ્સ ડે) તરીકે ઉજ્વવામાં આવે છે. આ દિવસને ધ્યાનમાં રાખી સી.આર.સી. નાપા કન્યાની એકતાનગર પ્રા.શાળામાં બાળકો માટે એક દિવસીય રમતોત્સવ તથા 'દફ્તર વિનાના દિવસ' નું પણ આયોજન કરાવ્યું હતું. 


જેમાં સી.આર.સી કો-ઑર્ડીનેટર અનિલભાઈ રાણા, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા શિક્ષકો અને બાળકોએ હાજરી આપી હતી. આખો દિવસ બાળકોએ ખૂબ મજા કરી હતી.

 

શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે બાળકોને મેજર ધ્યાનચંદના જીવનની વાતો સાથે એમના નામે અપાતાં ખેલ પુરસ્કાર અંગે માહિતી આપી હતી. રાજીવ ગાંધી ખેલ પુરસ્કારનું નામ બદલી ભારત સરકારે મેજર ધ્યાનચંદ ખેલ પુરસ્કાર નામ આપવામાં આવ્યું છે તેની વાત પણ કરી હતી.   

 

દફતર વિનાના દિવસની સાથે સાથે રમતોત્સવમાં કરાયેલા આયોજન મુજબ ધો.૧ થી ૫ માં સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ, દોડ અને લીંબુ ચમચી જેવી રમતો જ્યારે ધો.૬ થી ૮ ના બાળકો માટે ચેસ, ફૂટબોલ, બેડમિન્ટન તથા દોડ અને કૂદ જેવી વિવિધ  આઉટ ડોર – ઈન ડોર અને આનંદદાયી રમતોનું આયોજન કરાયું હતું.

 

        રમતોત્સવના કાર્યક્રમમાં સી.આર.સી કોર્ડીનેટર અનિલભાઈ રાણાએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરી ફીટ ઈન્ડિયા અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. શાળાના મુખ્યશિક્ષક ધ્વારા વિવિધ રમતોમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તમ દેખાવ કરનાર બાળકોને શાળાના વાર્ષિકોત્સવમાં ઇનામો આપી બિરદાવવામાં આવશે તેની જાહેરાત કરાઈ હતી. 

 

'દફતર વિનાના દિવસ'ને ધ્યાનમાં રાખી બાળકોને અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન/સંચાલન કિરણભાઈ સોલંકી અને ધોરણવાર રમતો સાથે અન્ય શિક્ષકોની ટીમ દ્વારા સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું.

 

અમારા કાર્યને વર્તમાન પત્રોએ પણ નોંધ લીધી. 


Sunday, 20 August 2023

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી, વાલી મીટીંગ તથા શાળા સ્થાપના દિન ઉજવણી

 એકતાનગરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી, વાલી મીટીંગ તથા 

                    શાળા સ્થાપના દિન ઉજવણી 

 

આપણા ભારતનો ગૌરવશાળી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ સમાજમાં લઈ જઈ શકાય તે હેતુથી એકતાનગર પ્રા.શાળા ધ્વારા તિરંગા રેલી, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, વાલી મિટિંગ તથા 41 મા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં જિ. પં. સદસ્ય સાજીદભાઈ રાણા, ઉપસરપંચ મધુબેન ઠાકોર, સામાજિક કાર્યકર મનીષાબેન સોલંકી, પિયુષભાઈ પટેલ, ઈરફાનમીયાં કાજી, SMC અધ્યક્ષ ટીનાભાઇ ઠાકોરઉપાધ્યક્ષ નવઘણભાઈ, સિદ્દીકભાઈ, આસીકભાઈ, એસ.એમ.સી. સભ્યો, મ.ભો. કર્મચારીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાજરી આપી હતી.

   

કાર્યક્રમની શરૂઆત 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે કરાઇ હતી. ઉપસરપંચ મધુબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે મનીષાબેન સોલંકી પણ જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયા બાદ શાળાના મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલે વાલીઓને શાળાકીય કાર્યક્રમોની માહિતી આપી, બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. હાજર મહેમાનોએ પણ ઉદબોધન કર્યું હતું. 

 

ઉદાર હાથે દાન આપનાર મનીષાબેન ખ્રિસ્તી તથા ભૂતપૂર્વ આચાર્ય નવનીતભાઈ પંડ્યા તથા ઇશ્વરભાઇ ઠાકોરના ધર્મપત્નીનું શાળા ધ્વારા સન્માન કરાયું હતું. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.  

  

41 મા શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શાળામાં અનોખો માહોલ સર્જાયો હતો. 41 રાષ્ટ્રધ્વજને સલામી, 82 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકાર, 41 ફૂલછોડનું વાવેતર જેવા અવનવા આયામો હાથ ધરાયા હતા. મનીષાબેન ખ્રિસ્તી ધ્વારા શાળાને મળેલ રોકડ દાનમાંથી શાળામાં નાના ફૂલછોડના કૂંડા તૈયાર કરાયા હતા. અશરફી મુસ્લિમ સેવા ટ્રસ્ટ, નાપા ધ્વારા શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.  

 

 

મહમદમીયાં કાજી અને ભાવિકાબેન ઠાકોર તરફથી બાળકોને ચોકલેટ તથા ગ્રા. પં. તરફથી બુંદીનું વિતરણ કરાયું હતું. શાળામાંથી અભ્યાસ કરી અન્ય સ્થળે વસવાટ કરતાં વિદ્યાર્થીઑનું સંમેલન કરી આગામી આયોજન ડોં. હિતેન સોલંકીએ સમજાવ્યું હતું. વાલીઓ તરફથી રોકડમાં દાન પણ મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાનો સમગ્ર સ્ટાફ સહભાગી બન્યો હતો. કાર્યક્રમનું સંચાલન મેજબીન, ફીઝા, સીમા અને કિરણભાઇ સોલંકીએ અને આભારવિધિ કનુભાઈ રબારીએ કરી હતી. 

Sunday, 6 August 2023

ધારાસભ્યશ્રીના હસ્તે નવીન ઓરડામાં બાળકોને પ્રવેશ


 

એકતાનગર પ્રાથમિક શાળામાં પેટલાદ ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે મુલાકાત લઈ નવા તૈયાર થયેલા ઓરડામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે જિ.પં.સદસ્ય સાજીદભાઈ રાણા, પૂર્વ જિલ્લા મહામંત્રી સુભાષભાઈ બારોટ, ઠાકોર સમાજ અગ્રણી હરમાનજીભાઈ ઠાકોર, ઈરફાનમીયાં કાજી, પિયુષભાઈ પટેલ, C.R.C.Co. અનિલભાઈ રાણા, સાલીમમીયાં કાજી, સંજયભાઇ ઠાકોર, SMC અધ્યક્ષ ટીનાભાઈ ઠાકોર, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ તથા ગ્રામજનો, બાળકો, શિક્ષકો અને SMC સભ્યોએ હાજરી આપી હતી.

પ્રાર્થના કાર્યક્રમ બાદ શાળાના બાળકોના હસ્તે પુસ્તક અને પુષ્પગુચ્છ આપી મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. શાબ્દિક ઉદ્બોધન ડૉ. હિતેન સોલંકીએ કર્યું હતું. શાળાકીય પ્રવૃત્તિઓની માહિતી મુ. શિ. ભાનુપ્રસાદ પંચાલે આપી હતી. 

પેટલાદ ધારાસભ્યશ્રી કમલેશભાઈએ શાળામાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી બાળકોને સાચું બોલવાની વાત સાથે મા-બાપ-ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. G 20 અંતર્ગત કલા ઉત્સવમાં વિજેતા બાળકોનું સન્માન કરાયું હતું.

 

સમગ્ર શિક્ષા દ્વારા તૈયાર થયેલા બે વર્ગખંડોમાં દીપ પ્રાગટય કરી, ધારાસભ્યશ્રી કમલેશભાઈએ બાળકોને પ્રવેશ અપાવી શુભકામનાઓ પાઠવી હતી. ભવિષ્યમાં શાળાને ઉપયોગી થવાની ખાતરી આપી, બાળકો સાથે સીધો સંવાદ કરી શુભેચ્છાઓ આપી હતી. 

પિયુષભાઇ પટેલે શાળાને 5000/-રૂl. ના દાનની પણ જાહેરાત કરી હતી. શાળામાં નવા આવેલા શિક્ષક સમીરશા દીવાનને પુષ્પગુચ્છ આપી આવકાર અપાયો હતો. કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું.